સાયરન
પહેલી વાર સાયરન વાગી
ત્યારે આખું નગર
ધ્રૂજી ઊઠ્યું હતું.
બારીઓ બંધ થઈ,
મા-બાપે બાળકોને
છાતીએ વળગાડ્યાં.
હવે સાયરન રોજ વાગે છે —
ક્યારેક પૂર,
ક્યારેક આગ,
ક્યારેક બીજું કંઈક.
હવે લોકો
ચાની ચૂસકી લેતાં લેતાં
બોલે છે:
‘આજે મોડી વાગી.’
સૌથી ભયાનક અવાજ
સાયરનનો નથી;
એ સાંભળીને
કશું જ ન થવું —
એનો છે.
– પરાગ રતનપરા