સાથે ઘરડાં થઈએ
ચાલ, આપણે સાથે ઘરડાં થઈએ.
તું મારાં ચશ્માં પહેરીને છાપું વાંચજે,
હું તારાં ચશ્માં શોધતો ફરીશ —
ને આપણે બંને હસીશું,
કારણ કે બંને ચશ્માં
તારા માથા પર હશે.
તું મને દવા યાદ કરાવજે,
હું તને તારીખો.
આપણી વાતો ધીમી થશે,
પણ મૌન
વધારે ચોખ્ખું.
હાથ ધ્રૂજશે,
તોયે ચાનો કપ
એકબીજાને પકડાવીશું —
અડધો ઢોળાશે,
અડધો આપણો.
ને જ્યારે એક દિવસ
આપણામાંથી એક
વહેલું જશે,
તો બીજું
એકલું નહીં રહે —
ઘરની દરેક વસ્તુ
બે જણનો અવાજ
સંઘરીને બેઠી હશે.
– પરાગ રતનપરા