સાથમાં
તાપ ને વરસાદમાં બસ એમ ચાલ્યાં સાથમાં,
ને નદીના બે કિનારે હાથ ઝાલ્યાં સાથમાં.
બાળકો મોટાં થયાં ને પાંખ લઈ ઊડી ગયાં,
આપણે આ ઓસરીએ દુઃખ મ્હાલ્યાં સાથમાં.
દીકરાનું દૂર જાવું, દીકરીની આ વિદાય,
આપણે તો એ બધા પણ ઘાવ સાલ્યાં સાથમાં.
છેવટે તેં હાથ છોડ્યો, લાકડી બસ હાથમાં,
ને સ્મરણ તારાં હજી પણ રોજ હાલ્યાં સાથમાં.
કોઈ પૂછે, શું કમાયા જિંદગીભર, ઓ પરાગ?
આંસુ, સપનાં, મૌન, ઝઘડા, એમ પાલ્યાં સાથમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #દાંપત્ય #સહજીવન #વૃદ્ધાવસ્થા #સ્મરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Companionship #MarriedLife #OldAge #Memories #ParagRatanpara