← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગૂંચ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તું
ઊનના એક દડા જેવી હતી —
રંગીન, હૂંફાળી, ગોળમટોળ.

મેં તને ઉકેલવા
એક છેડો પકડ્યો,
ને તું ખૂલતી ગઈ…
ખૂલતી ગઈ…

હવે આખા ઓરડામાં
તું પથરાયેલી છે:
ખુરશીના પાયે,
પલંગની કોરે,
બારીના સળિયે,
મારા પગમાં.

જ્યાં જાઉં ત્યાં
અટવાઉં છું.

લોકો કહે છે,
‘સમેટી લે હવે.’
પણ કોઈ નથી કહેતું
કે ઉકેલાઈ ગયેલી યાદને
ફરી દડો કેવી રીતે બનાવાય.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસાથમાંઆગલો લેખ →ફૂલનો ભરોસો