સારસ બેલડી
સારસ બેલડી ઊડી’તી સંગાથે તળાવની પાળે,
એક ગયું રે આભ ભણી, ને બીજું ઝૂરે ડાળે.
સવાર પડે ને બેઉ ચરતાં, સાંજે ગાતાં ગીત,
ગામ કહેતું: ‘સારસ જેવી કોઈની ન હોય પ્રીત’;
એક દિ’ શિકારીનું તીર વાગ્યું વગડાને ઢાળે…
સારસ બેલડી…
બીજું સારસ ચાંચ ન બોળે, ના માગે કંઈ ચારો,
પાંખ પસારી રાહ જુએ, સાંજે ને સવારો;
તળાવનું જળ ખારું થયું, એનાં આંસુ ઢાળે…
સારસ બેલડી…
પરાગ કહે: માણસ ભૂલે, ને બીજું ઘર માંડે,
સારસ તો એક વાર બંધાય, ને જીવન આખું ઝંખે;
પ્રીત શીખવી હોય તો જઈને બેસો એની પાળે…
સારસ બેલડી…
– પરાગ રતનપરા