← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સાંકળ ખખડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાતે ખખડી સાંકળ, ને મેં ઓઢી લીધી ચાદર,
સવારે જોયું, ઉંબરે મૂકી ગ્યું કોઈ ઝાકળની ઝાલર.

મેં માન્યું કે પવન હશે, કે બિલ્લી ફરતી હશે,
કોને ખબર કે સાંઈ પોતે ઝોળી ધરતો હશે;
મારા ઘરનો દીવો ઠર્યો, ને ઠરી ગયો અવસર…
રાતે ખખડી સાંકળ…

જનમ જનમ મેં માળા ફેરવી, ‘આવો, આવો’ ગાયું,
આવ્યો ત્યારે ઊંઘ્યો, એથી મોટું શું પસ્તાયું?
હવે બારણું ખોલી, દીવો રાખી, જાગું આઠે પ્રહર…
રાતે ખખડી સાંકળ…

પરાગ કહે: એ ફૂલ બનીને આવે છે ચુપકીથી,
મ્હેક બનીને સ્પર્શી જાય, ને બોલે ના કંઈ જીભથી;
જાગી જા, મન, પળ પળ એનાં પગલાં પડે છે ભીતર…
રાતે ખખડી સાંકળ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખજૂની ડાયરીઆગલો લેખ →મજૂરણ