મજૂરણ
ભરબપોરે તાપ ઝરે, ને ચકલી શોધે છાંય,
ધોમ ધખે ધરતી, તોય મજૂરણ ગાતી જાય.
માથે ઈંટનું તગારું, ને કેડે બાંધ્યું બાળ,
પાલવથી એ લૂછે પરસેવો, ને બાળકનું ભાલ;
લૂ વાતી, પણ હાલરડું એનું ઠંડું થઈને વાય…
ભરબપોરે તાપ ઝરે…
શેઠજી બેઠા એ.સી.માં, ને ગણે નોટની થોક,
મજૂરણ પીએ માટલાનું પાણી, એ જ એનો ભોગ;
સાંજ પડે ને સો રૂપિયા, એમાં ઘર ચલાય…
ભરબપોરે તાપ ઝરે…
પરાગ કહે: આ ઇમારતો ઊંચી ઊભી જેની,
ઈંટે ઈંટે છાપ પડી છે એ જ કોમળ હથેળીની;
ટાવર ઉપર નામ લખાય શેઠનું, પરસેવો ભૂંસાય…
ભરબપોરે તાપ ઝરે…
– પરાગ રતનપરા