બનવું પડે
કોઈ આવે ના બચાવા, દીવડો બનવું પડે,
તાપને માથે ધરીને છાંયડો બનવું પડે.
દીકરા, વહુ, દીકરી, પૌત્રો બધાં આવે ઘરે,
બાપને પણ એટલે તો ઓરડો બનવું પડે.
મેઘ રૂઠે, ને નદી પણ ખેતરે આવે નહીં,
ખેડુને ત્યારે સ્વયં તો પાવડો બનવું પડે.
બાળ માગે રોટલી, ને ઘર મહીં ચૂલો નથી,
મા, તને ત્યારે ધખીને તાવડો બનવું પડે.
આ પરાગે વાંસળીનો મર્મ જાણ્યો આખરે:
છેદ પામી, પોલ થઈને, વાંસડો બનવું પડે.
– પરાગ રતનપરા
#ગઝલ #સ્વાવલંબન #ત્યાગ #પિતા #મા #પરાગરતનપરા
#GujaratiGhazal #SelfReliance #Sacrifice #Parenthood #Resilience #ParagRatanpara