સાંજના
ઓસરીમાં ઊતરે છે રોજ ઓળા સાંજના,
ને ગગનમાંથી વળે છે ઘેર ટોળાં સાંજના.
ધોમ ધખતો સૂર્ય આખર લાલ થઈ ડૂબી ગયો,
સાગરે ઠારે હવે એ આગ-ગોળા સાંજના.
ખેલ પૂરા થાય ત્યારે દોડતો હું ઘર ભણી,
ને પ્રતીક્ષામાં હતા, બાના જ ખોળા સાંજના.
આયનાએ આજ કીધું, ‘તું ય ઢળતો જાય છે’,
વાળમાં ઝળકે હવે એ રંગ ધોળા સાંજના.
આ પરાગે સાંજને પણ ગંધ થઈ ભેટી હતી,
ના કશું માગ્યું, હતા એ ભાવ ભોળા સાંજના.
– પરાગ રતનપરા
#ગઝલ #સાંજ #એકાંત #બા #ઢળતીઉંમર #પરાગરતનપરા
#GujaratiGhazal #Evening #Solitude #MothersLap #Ageing #ParagRatanpara