સાક્ષી
પચાસ વરસ પહેલાં
આ જ ઓરડામાં
અમે પહેલી વાર ભેટ્યાં હતાં —
ત્યારે
દીવાલ પરની ઘડિયાળ
સાક્ષી હતી.
આજે
તારા હાથ ધ્રૂજે છે,
મારા ઘૂંટણ બોલે છે.
દવાની શીશીઓ વચ્ચે
તું મારા ખભે માથું મૂકે છે.
ઘડિયાળ
હજી ટકટક કરે છે —
એ જ સાક્ષી.
ફરક એટલો જ:
ત્યારે
અમે સમયને ભૂલી ગયાં હતાં;
હવે
સમય અમને ભૂલી ગયો છે,
ને અમે
એને યાદ કરાવતાં નથી.
– પરાગ રતનપરા