સાઇકલ
બાપુએ કહ્યું:
‘ચલાવ, ગભરાઈશ નહીં,
હું પાછળથી પકડી રાખું છું.’
હું પેડલ મારતો ગયો,
ગલી પૂરી થઈ,
પીપળો પસાર થયો,
મંદિર પાછળ રહી ગયું.
વળીને જોયું,
તો બાપુ
ઘણે દૂર ઊભા હતા —
તાળી પાડતા.
મેં પૂછ્યું:
‘તમે તો કહેતા હતા, પકડી રાખું છું!’
એ હસ્યા:
‘પકડ્યો’તો…
વિશ્વાસથી.’
આજે બાપુ નથી.
ને હું
હજી પેડલ મારું છું
એ જ વિશ્વાસે
કે પાછળ
કોઈ પકડી રાખે છે.
– પરાગ રતનપરા