સાધુ
સ્ટેશનની બહાર
લીમડા નીચે
એક મોચી બેસે છે.
ન ભગવાં, ન માળા,
ન કોઈ પ્રવચન.
ફાટેલા જોડા લઈ
લોકો આવે —
કોઈ ઇન્ટરવ્યૂ આપવા જતો,
કોઈ દીકરીના લગ્નમાં,
કોઈ સ્મશાને.
એ કોઈને પૂછતો નથી
ક્યાં જાઓ છો.
બસ, ટાંકા લે છે —
એક એક ટાંકે
કોઈની યાત્રા સાંધે છે.
સાંજે
પોતાના જ ફાટેલા ચંપલ
પહેરીને
એ ઘેર જાય છે.
મેં ઘણા મઠ જોયા,
ઘણા સંત.
પણ સંગ કરવા જેવો સાધુ
મેં લીમડા નીચે જોયો છે.
– પરાગ રતનપરા