← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રૂનું પૂમડું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હું તો કોરું કપાસનું ફૂલ, વ્હાલા, તું કેસર-કંકુ રંગ,
એક ટીપું તું ઢોળે તો મારું રંગાય આખું અંગ.

ખેતરમાં હું ઊગ્યું સાદું, તડકે-ટાઢે શેકાયું,
વણકરને હાથે વણાયું, ધોબીઘાટે ધોવાયું;
હવે તારી પૂજાની થાળીમાં દીવેટ થઈ દઉં સંગ…
હું તો કોરું કપાસનું ફૂલ…

ન મારે સુગંધ, ન મારે શોભા, ન મારે કંઈ મોલ,
તોય તું આવી જો અડકે તો હું ય બનું અણમોલ;
તારા ઘીમાં ઝબોળાઈને પ્રગટું જ્યોત-ઉમંગ…
હું તો કોરું કપાસનું ફૂલ…

પરાગ કહે: રૂ બળીને પણ અજવાળાં પાથરે,
જાત ગુમાવી જ્યોત બને, એ કોઈ ન આવી આંતરે;
તારે ખાતર ખાખ થઉં, એ જ મારો સત્સંગ…
હું તો કોરું કપાસનું ફૂલ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખશ્વાસનો સહવાસઆગલો લેખ →દવા અને દુઆ