રોકો હવે
ગામમાં સળગી રહી છે, ઝાળને રોકો હવે,
હોઠ પર જે ઝેર થઈ, એ ગાળને રોકો હવે.
ઝૂંપડી પણ રાખ થઈ, ને રાખ થઈ ગઈ ચોપડી,
ઘર ઘરે પેસી જતી આ જ્વાળને રોકો હવે.
ધર્મના નામે ધરી તલવાર, ને સૌ ઘૂમતા,
આદમીને ખાઈ જાતા કાળને રોકો હવે.
વોટ ખાતર જેમણે ઊભી કરી દીવાલ, ને
એકબીજા પર ચડેલા આળને રોકો હવે.
આ ‘પરાગે’ ફૂલ જોયું કાંપતું ને ઝૂરતું,
નફરતોના આ લપસતા ઢાળને રોકો હવે.
– પરાગ રતનપરા
#ગઝલ #હિંસા #કોમીએકતા #માનવતા #શાંતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #StopViolence #CommunalHarmony #Humanity #Peace #ParagRatanpara