વિદાય
ઝાંપે ઊભો બાપ, ને દીકરી ડોલીએ ચડે રે,
આંખ્યુંમાંથી નીર ઝરે, ને મોઢે હસવું પડે રે.
ઢીંગલી એની ખૂણે બેઠી, પૂછે: ‘મને મૂકી ક્યાં?’
પાંચીકા ને દોરડું ઓસરીએ રહ્યાં ત્યાં ને ત્યાં;
માના પાલવમાંથી છૂટી, એ કેમ કરી સરે રે…
ઝાંપે ઊભો…
ભાઈ ઉપાડે ડોલી, ને ભાભી ગાય મંગળ ગીત,
પાદર લગી ગામ વળાવે, રડે લીમડો, રડે ભીંત;
ગાડું ચાલ્યું, ધૂળ ઊડી, ને ગામ આખું ગળે રે…
ઝાંપે ઊભો…
પરાગ કહે: દીકરી તો દીવો, બે ઘરને અજવાળે,
પિયરિયાની ઓસરી સૂની, સાસરિયે દીપ બાળે;
બાપની છાતીમાં તો આજે આખું આભ રડે રે…
ઝાંપે ઊભો…
– પરાગ રતનપરા