રોજ રોજ
રોજ સવારે સૂરજ ઊગે, રોજ સાંજ ઢળી જાય,
રોજ રોજના રોજમેળમાં આખો જનમ ગળી જાય…
રોજ એ જ બસ, એ જ ડ્રાઇવર, એ જ ભીડ, એ જ ધક્કો,
રોજ ટિફિનમાં એ જ ભીંડા, ને એ જ બૉસનો ઠપકો;
રોજ રાતે ઓશીકે એક સપનું આવી ટળી જાય…
રોજ સવારે…
રોજ વિચારું: ‘કાલથી ચાલીશ, કાલથી ગાઈશ ગીત,’
રોજ કાલ તો આવે, પણ ના આવે ગમતી રીત;
કૅલેન્ડરનાં પાનાં ફાટે, ઉંમર ધીમે બળી જાય…
રોજ સવારે…
પરાગ કહે: આ રોજ નથી, આ તો છે અવસર રોજ,
રોજ ખીલે છે ફૂલ નવું, ને રોજ નવી છે મોજ;
જે જાગીને જુએ, એને રોજ ઈશ્વર મળી જાય…
રોજ સવારે…
– પરાગ રતનપરા