આજ ક્યાં?
દેશ માટે શીશ દેતી એ જવાની આજ ક્યાં?
રાતભર દાદી કહેતાં, એ કહાની આજ ક્યાં?
વેણ આપ્યું, તો ગયાં માથાં, ભલે ઘર પણ ગયાં,
એ વચનની પાળિયે બેઠી નિશાની આજ ક્યાં?
સ્માઈલીઓ મોકલે સૌ, ને હૃદય પણ મોકલે,
રૂબરૂ બેસી કહે, એવી જબાની આજ ક્યાં?
નાવ લઈને ખારવા જે ઝંપલાવે સાગરે,
એ ખલાસી, એ હલેસાં, એ તુફાની આજ ક્યાં?
આ પરાગે ફૂલ ખાતર જાત પણ વારી હતી,
ફૂલ પણ શરમાય, એવી એ રવાની આજ ક્યાં?
– પરાગ રતનપરા
#ગઝલ #શૌર્ય #વચન #ખોવાયેલાંમૂલ્યો #બદલાતોસમય #પરાગરતનપરા
#GujaratiGhazal #LostValues #Courage #KeepingYourWord #ChangingTimes #ParagRatanpara