ન બોલાયું
કહેવું’તું ઘણું તમને, ખરે ટાણે ન બોલાયું,
બધાં બેઠાં હતાં સાથે, પછી ભાણે ન બોલાયું.
ખિસું કાપ્યું હતું કોકે, ગયો ફરિયાદ લઈ સીધો,
જમાદારે ઉઘાડ્યું મોં, પછી થાણે ન બોલાયું.
જુવાનીમાં ગયો બેટો, પિતા પથ્થર બની બેઠા,
ખભે મૂક્યો જરા મેં હાથ, ને કાણે ન બોલાયું.
હતો મંચે, હતું માઇક, ભરી’તી હોલમાં ભીડો,
તને ત્યાં જોઈ સામે, તો પછી ગાણે ન બોલાયું.
ભ્રમરગીતો પરાગે રાતભર સુણિયાં, છતાં એણે
ગયો ઊડી હવામાં, તોય ઠેકાણે ન બોલાયું.
– પરાગ રતનપરા
#ગઝલ #મૌન #અધૂરીવાત #વેદના #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #UnspokenWords #Silence #Grief #WordsThatFailed #ParagRatanpara