રંગમંચ
નાટક પૂરું થયું.
પડદો પડ્યો.
તાળીઓ પડી.
રાજાનો મુગટ
ખીંટીએ ટંગાયો,
રાણીનો હાર
ખોખામાં ગયો,
વિદૂષકનો રંગ
પાણીથી ધોવાયો.
બહાર નીકળી
રાજા બસની લાઇનમાં ઊભો,
રાણી શાક લેવા ગઈ,
ને વિદૂષક
દીકરાની ફીનો હિસાબ ગણતો
ચૂપચાપ ચાલ્યો ગયો.
મંચ પર
એક બત્તી બળતી રહી —
ખાલી ખુરશીઓ સામે.
મેં વિચાર્યું,
આપણે પણ
રોજ સવારે મુગટ પહેરીએ છીએ,
ને રાતે ખીંટીએ ટાંગીએ છીએ.
ફરક એટલો જ —
આપણો પડદો
ક્યારે પડશે,
એ પટકથામાં લખ્યું નથી.
– પરાગ રતનપરા