રિમોટ
અમારા ઘરમાં
લોકશાહી છે.
ચૂંટણી થતી નથી,
પણ સત્તા
જેના હાથમાં રિમોટ
એની.
સવારે
સમાચાર — મારી સરકાર.
બપોરે
રસોઈ શો — એમની.
સાંજે
ક્રિકેટ અને સિરિયલ વચ્ચે
સંસદ જેવો
હોબાળો.
ગઈ કાલે
રિમોટની બૅટરી
પૂરી થઈ ગઈ.
અમે બંને
પહેલી વાર
વર્ષો પછી
ટીવી બંધ રાખીને
ઝૂલા પર બેઠાં.
એણે
એની મા વિશે વાત કરી,
મેં
મારી નિશાળ વિશે.
આજે
નવી બૅટરી આવી ગઈ છે.
પણ
મેં ચૂપચાપ
એને
કબાટમાં
સંતાડી દીધી છે.
– પરાગ રતનપરા