રેતી જેવી જિંદગી
મુઠ્ઠીમાં ઝાલું તોય સરકે, રેતી જેવી જિંદગી,
પળમાં હસે ને પળમાં રડે, એવી ભોળી જિંદગી.
બાળપણે તો પતંગ જેવી, આભે ઊડતી રંગીન,
જુવાનીમાં ઘોડા જેવી, દોડે, ના થાય તલ્લીન;
ઘડપણમાં તો ચશ્માં શોધે, ખાટલે બેઠી જિંદગી…
મુઠ્ઠીમાં ઝાલું…
ક્યાંક ફૂલની ફોરમ થઈને, ક્યાંક કાંટાની વાડ,
ક્યાંક મા જેવી ખોળો દેતી, ક્યાંક ઊંચો પહાડ;
શ્વાસે શ્વાસે ગણતી ચાલે, ઘડિયાળ જેવી જિંદગી…
મુઠ્ઠીમાં ઝાલું…
પરાગ કહે: રેતી સરે તો ઝીણી કોઈ ઘડી બને,
એ ઘડીમાં જો પ્રેમ ભરો તો દરિયા જેવી ઘડી બને;
ખોબે ખોબે વ્હેંચી દો તો ખૂટે નહીં કદી જિંદગી…
મુઠ્ઠીમાં ઝાલું…
– પરાગ રતનપરા