← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રેખા ને કાંડું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હાથની રેખા ને કાંડાનું બળ, બેઉ બાઝ્યાં રે,
કોણ મોટું ને કોણ નાનું, ગામ આખું ગાજ્યાં રે.

રેખા બોલી: ‘હું તો વિધાતાની લખેલી વાણ,
ધાર્યું મારું થાય, તું છો ને ખેંચે આખું વ્હાણ’;
કાંડું બોલ્યું: ‘ખેતર ખેડ્યાં, પથ્થર ફોડ્યા, આજ
મારે પરસેવે પલળ્યા તારા અક્ષર ને સઘળાં કાજ’…
કોણ મોટું ને…

જોષી આવ્યા ટીપણાં લઈ, પંડિત લાવ્યા પોથી,
ખેડૂ આવ્યો હળ લઈને, ને માથે ભારી ઓઢી;
ચોરે બેઠાં સૌએ જોયું: રેખા ઝાંખી ઝાંખી,
જે હથેળીએ ફોલ્લા પડ્યા, ત્યાં રેખા નવી ભાખી…
કોણ મોટું ને…

પરાગ કહે: આ ઝઘડો ઝૂઠો, બંને એક જ હાથે,
રેખા વાટ દેખાડે, ને કાંડું ચાલે સાથે;
નસીબ ને મહેનત તો જાણે બળદ જોડ્યા બે,
એક અટકે તો ગાડું અટકે, ઘર ના પહોંચે ત્યે…
કોણ મોટું ને…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખકવિઆગલો લેખ →ચંપલ