ચંપલ
બાપુજીને ગયે
તેર દિવસ થયા.
ઘર ધોવાયું,
ગરુડપુરાણ પૂરું થયું,
સગાંવહાલાં ગયાં,
મેં એક પણ આંસુ પાડ્યા વગર
બધું સંભાળી લીધું.
સૌ કહે: ‘દીકરો મજબૂત છે.’
બારણા પાસે
એમનાં ઘસાયેલાં ચંપલ
હજી એમ જ પડ્યાં છે —
ડાબું સહેજ આગળ,
જાણે હમણાં
શાક લેવા નીકળવાના હોય.
આજે સવારે
એક ચકલી
એ ચંપલ પર બેઠી,
ચીં ચીં કરી
ને ઊડી ગઈ.
બસ,
ત્યારે જ
હું પહેલી વાર રડ્યો.
– પરાગ રતનપરા