રવિવારની સાંજ
રવિવારની સાંજ
સૌથી લાંબી હોય છે.
સવારે
જે રજા
હાથમાં ભરેલા ખોબા જેવી હતી,
એ બપોર સુધીમાં
આંગળીઓ વચ્ચેથી
સરકી ગઈ.
હવે
સાંજ છે,
ને બાલ્કનીમાં
સૂકવેલાં કપડાં
ઉતારવાનાં છે,
ને કાલના લંચ-બૉક્સનું
શાક સમારવાનું છે,
ને દીકરાનું
હોમવર્ક
જોવાનું છે.
આકાશમાં
પંખીઓ
ઘર તરફ જાય છે.
મને લાગે છે,
એ લોકોને
સોમવાર
નહીં આવતો હોય.
– પરાગ રતનપરા