રસ્તે રઝળતી વારતા
હું તો રસ્તે રઝળતી એક વારતા,
મને કોઈ વાંચે ના, કોઈ ના સાંભળે!
જે દેશમાં કન્યાને પૂજે નવરાતે,
એ જ દેશમાં વેચાઉં હું અંધારી રાતે;
દીકરી હતી હું ય કોઈ બાપની કદી,
મેંદી ભરેલા હાથની ઢીંગલી હતી;
ગામની ગલી હવે મને ક્યાં ઓળખે,
મને કોઈ વાંચે ના, કોઈ ના સાંભળે!
દિવસે સૌ નજરું ફેરવીને જાય,
રાતે એ જ નજરું કિંમત ઠરાવી ખાય;
આંસુ મારાં કોઈ ખાતામાં ન ગણાય,
મારું નામ કોઈ પાને ના લખાય;
પડછાયો ય મારો મારાથી આઘો ચાલે,
મને કોઈ વાંચે ના, કોઈ ના સાંભળે!
પરાગ કહે, ઓ સમાજ, નજર તો ઉઠાવ,
એક વાર એને દીકરી કહીને બોલાવ;
દેવીની મૂરતને ચૂંદડી ઓઢાડે છે,
તો આ જીવતી દીકરીને છાંયો તો આપ;
એ પણ છે વારતા, જરા પાનું તો ઉથલાવ,
પછી જો, કેટલાં ફૂલ એમાંથી ખીલે!
– પરાગ રતનપરા