ઇચ્છાઓ
ઘડી બાળક, ઘડી ઘરડી, ઘડી તોફાન ઇચ્છાઓ,
નચાવે છે, રમાડે છે, ભુલાવે ભાન ઇચ્છાઓ.
તમારે જોઈએ ગાડી, વિમાનો ને મકાનો, લ્યો,
અમારે થાળમાં થોડું સવારે ધાન, ઇચ્છાઓ.
નમાવે શીશ મંદિરમાં, ધરાવે શ્રીફળો સૌએ,
ખુદાને પણ ધરે છે લાંચ જેવું દાન ઇચ્છાઓ.
બુઢાપે પાનખર આવી, ગયા સૌ દાંત ને વાળો,
છતાં ડાળે લટકતું એક લીલું પાન ઇચ્છાઓ.
‘પરાગે’ ત્યાગ કીધો, ને થયું ઉદ્યાન મન આખું,
હવે એ મ્હેકનું ગાતી ફરે છે ગાન ઇચ્છાઓ.
– પરાગ રતનપરા
#ગઝલ #ઇચ્છા #લોભ #ત્યાગ #જીવનદર્શન #પરાગરતનપરા
#GujaratiGhazal #Desires #Greed #Renunciation #LifePhilosophy #ParagRatanpara