← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રસોડું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એનું આખું આકાશ
ચાર બાય છનું છે —
એક ગૅસ, બે બર્નર,
ને એક બારી,
જેમાંથી
સામેના ઝાડની એક ડાળખી દેખાય છે.

સવારે ચા,
બપોરે દાળ-ભાત,
સાંજે થેપલાં —
ને વચ્ચે વચ્ચે
પોતાનાં સપનાં
ધીમા તાપે
ઉકાળી નાખે છે.

કોઈ પૂછે: ‘શું કરો છો?’
તો કહે છે: ‘કંઈ નહીં, ઘરે જ હોઉં છું.’

એ ‘કંઈ નહીં’માંથી
રોજ
આખું ઘર
જમી લે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખજરાસંધઆગલો લેખ →રોક્યું ના રોકાય