રસોડું
એનું આખું આકાશ
ચાર બાય છનું છે —
એક ગૅસ, બે બર્નર,
ને એક બારી,
જેમાંથી
સામેના ઝાડની એક ડાળખી દેખાય છે.
સવારે ચા,
બપોરે દાળ-ભાત,
સાંજે થેપલાં —
ને વચ્ચે વચ્ચે
પોતાનાં સપનાં
ધીમા તાપે
ઉકાળી નાખે છે.
કોઈ પૂછે: ‘શું કરો છો?’
તો કહે છે: ‘કંઈ નહીં, ઘરે જ હોઉં છું.’
એ ‘કંઈ નહીં’માંથી
રોજ
આખું ઘર
જમી લે છે.
– પરાગ રતનપરા