રસધાર
બાર વરસનો હતો
ત્યારે
માળિયેથી
એક જૂની ચોપડી હાથ લાગી —
‘સૌરાષ્ટ્રની રસધાર’.
બપોર હતી,
ઘરમાં સૌ ઊંઘતાં હતાં.
મેં પાનું ફેરવ્યું,
ને ઓરડામાં
ઘોડા હણહણ્યા,
તલવારો ખણખણી,
કોઈ ચારણ-કન્યાએ
સિંહ સામે લાકડી ઉગામી.
સાંજે બાએ બોલાવ્યો:
‘જમવા ચાલ.’
હું ઊઠ્યો,
પણ મારા પગ
ધૂળિયા હતા —
ને ઓરડામાં
ક્યાંય ધૂળ નહોતી.
– પરાગ રતનપરા