મામાનું ઘર
ઉનાળુ વેકેશનમાં રે, મામાને ઘેર જાતા,
નાનીમાના હાથના રોટલા ને માખણ ખાતા.
આંબાની ડાળે હીંચકો ને કેરીઓની ચોરી,
કૂવે-ખેતરે નાહ્યા, ને ઘેર ઠપકાની ઝોળી;
મામી ગુસ્સો કરતાં, પણ ખાનગીમાં ખવડાવતાં…
ઉનાળુ વેકેશનમાં રે…
રાતે ખાટલા ઢાળી આકાશે તારા ગણતા,
નાનાની વાર્તામાં રાજા-રાણી સાથે ભમતા;
ભૂત-પલીતની વાત સાંભળી ગોદડે સંતાતા…
ઉનાળુ વેકેશનમાં રે…
પરાગ કહે: હવે મામાનું ઘર વેચાઈ ગયું છે,
આંબો કપાયો, કૂવો પુરાયો, ગામ ક્યાં રહ્યું છે?
તોય સપનામાં રોજ રાતે ત્યાં જ પાછા જાતા…
ઉનાળુ વેકેશનમાં રે…
– પરાગ રતનપરા