← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રમલી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રમલીને
કોઈ કહેતું નથી:
‘તું ગીત ગા.’
કહે છે: ‘વાસણ માંજ.’

કોઈ કહેતું નથી:
‘તું ચિત્ર દોર.’
કહે છે: ‘આંગણું લીંપ.’

ગઈ કાલે
એણે ચૂલાની રાખમાં
આંગળીથી
એક પંખી દોર્યું.

માએ
ફૂંક મારીને
ચૂલો સળગાવ્યો.

પંખી
ધુમાડો થઈને
નળિયાં વચ્ચેથી
ઊડી ગયું.

રમલી
હજી ત્યાં જ બેઠી છે —
છાપરા સામે જોતી,
જાણે
પોતાની પાંખોની
રાહ જોતી હોય.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઢળતી સાંજમાંઆગલો લેખ →બસ થયું