રફૂગર
ગલીને નાકે
એક રફૂગર બેસે છે.
ફાટેલા ખમીસમાં
એ એવો તાંતણો પરોવે
કે ફાટ ક્યાં હતી
એ ખમીસ પોતે ભૂલી જાય.
એક દિવસ
મેં એની સામે
આપણો સંબંધ મૂક્યો.
એણે ચશ્માં ઉતાર્યાં,
ઘડીક ઉલટાવી-સૂલટાવી જોયો,
ને પાછો આપતાં બોલ્યો:
‘ભાઈ, કાપડ તો હજી મજબૂત છે,
પણ બેય છેડે
કોઈ ખેંચ્યા કરે છે —
પહેલાં એ ખેંચ છોડાવો,
રફૂ તો પછી
ચપટીમાં થઈ જશે.’
– પરાગ રતનપરા