રાત સાથે સમાધાન
ઘડિયાળ
બે વાગ્યે
મારી સામે જીભ કાઢે છે.
પડખું ફેરવું,
ઓશીકું ઊંધું કરું,
ઘેટાં ગણું —
એકસો ત્રેપન પછી
ઘેટાં પણ થાકીને
સૂઈ ગયાં.
પંખો
એક જ વાત
ગોળ ગોળ બોલ્યા કરે છે,
ને છત પરની તિરાડ
ધીમે ધીમે
નદી બનતી જાય છે.
છેવટે
મેં રાતને કહ્યું:
‘ચાલ, ઝઘડો બંધ.
તું ય જાગ, હું ય જાગું,
આપણે બે
ચા પીએ.’
રાત હસી પડી,
ને બારીમાંથી
પહેલું પંખી બોલ્યું.
– પરાગ રતનપરા