રાણી
એ રાણી છે.
રસોડું એનું રાજ્ય,
ચૂલો એનું સિંહાસન,
ને વેલણ એનો રાજદંડ.
એના હુકમ વિના
ઘરમાં ચા પણ ઊકળતી નથી.
સવારે પાંચ વાગ્યે
એનો દરબાર ભરાય છે —
દૂધવાળો, શાકવાળો, કચરાવાળો
સૌ હાજરી પુરાવે છે.
પણ જ્યારે
ઘરના કાગળ પર સહી કરવાની હોય,
ત્યારે કોઈ પૂછે છે:
‘તમે ક્યાં ભણ્યાં છો?’
રાણી હસે છે,
ને ચૂપચાપ
સૌની થાળીમાં
પોતાનું આખું રાજ્ય પીરસી દે છે.
– પરાગ રતનપરા