રામ
ઘટ ઘટમાં રામ રમે રે, મારા ઘટ ઘટમાં રામ રમે,
શબરીનાં બોર ચાખે ને કેવટને ચરણ નમે.
રાજ મળ્યું તો હસતા, ને વનવાસે પણ હસતા,
સોનાના મ્હેલ છોડીને પર્ણકુટીમાં વસતા;
વચન ખાતર જે વન વેઠે, એ રામ સૌને ગમે…
ઘટ ઘટમાં…
ખિસકોલીએ રેતી નાખી, સેતુ આખો બાંધ્યો,
વાનર, રીંછ ને માણસ સૌને એક જ તાંતણે સાંધ્યો;
નાનો મોટો ભેદ નહીં, સૌ એના નામે જમે…
ઘટ ઘટમાં…
પરાગ કહે: આ રામ નથી બસ મંદિરની મૂરતમાં,
એ તો મળે છે મા-બાપની સેવા ને કરુણતામાં;
જે બીજાનું દુઃખ લઈ લે, રામ એના ઘરમાં રમે…
ઘટ ઘટમાં…
– પરાગ રતનપરા