ખારી ધરતી
ધરતી મારી ખારી થઈ ગઈ, ક્યાં રે વાવું બીજ?
પરસેવો સીંચું તોય ન ઊગે લીલી એકે ચીજ.
દાદાએ જે ધરતી ખેડી, લીલી લીલી ઝૂલે,
આજ એ જ ધરતીની છાતી સફેદ થઈને ફૂલે;
દરિયો આવ્યો ધીરે ધીરે, ભૂંસી ગયો સૌ રીઝ…
ધરતી મારી…
દીકરો ગયો શહેર કમાવા, દીકરી પરણી ગઈ,
ઘરડો બળદ ને ઘરડો ખેડુ, ઝૂંપડી ખાલી થઈ;
શેઢે બેસી ખેડુ જુએ, આભે ઊગી બીજ…
ધરતી મારી…
પરાગ કહે: આ ખારાશ નથી બસ ખેતરની માટીમાં,
ખેડૂતની આંખોમાં પણ છે, ને મુઠ્ઠી જેવી છાતીમાં;
કોઈ તો લાવે મીઠું જળ, ને ઓગળે સઘળી ખીજ…
ધરતી મારી…
– પરાગ રતનપરા