લંબાતી કેડી
કેડી તો લંબાતી જાય રે ભાઈ, કેડી લંબાતી જાય,
આપણે થાકી બેસીએ, તોય કેડી ના થોભાય.
ગામ વટાવ્યું, સીમ વટાવી, વટાવ્યા વડ-પીપળા,
ખેતર ખૂંદ્યાં, ડુંગર ખૂંદ્યા, ખૂંદ્યા રેતી-ઢગલા;
પાછળ જોઈએ તો પગલાં પણ ધૂળ થઈને ઊડી જાય…
કેડી તો લંબાતી…
બાળપણ ગયું દોડતું, ને જોબન ગયું નાચતું,
ઘડપણ આવ્યું લાકડી લઈ, ધીમું ધીમું ચાલતું;
કેડી તો એની એ જ રહી, બસ ચાલનારા બદલાય…
કેડી તો લંબાતી…
પરાગ કહે: આ કેડીનો તો ક્યાંય ન આવે છેડો,
જે પહોંચ્યો એ પણ બોલ્યો: ‘આગળ હજી છે કેડો’;
ચાલવામાં જ મજા છે ભાઈ, મંઝિલ તો ભરમાય…
કેડી તો લંબાતી…
– પરાગ રતનપરા