રાહદારી
એ રોજ
સવારે સાત વાગ્યે
મારા ઘર આગળથી
પસાર થાય છે.
ખભે થેલો,
પગમાં ઘસાયેલાં ચંપલ,
હોઠ પર
કોઈ જૂનું ભજન.
મને ખબર નથી
એ ક્યાં જાય છે.
એને ય ખબર નથી
કે હું રોજ
બારીએથી એને જોઉં છું.
એક દિવસ
એ ન આવ્યો.
બીજે દિવસે પણ નહીં.
ત્રીજે દિવસે
હું પોતે
સાત વાગ્યે
રસ્તા પર નીકળી પડ્યો —
થેલો લઈને,
ને ભજન ગણગણતો.
હવે
કોઈ બારીએથી
મને જોતું હશે.
રસ્તો
રાહદારી બદલે છે,
રાહ નહીં.
– પરાગ રતનપરા