રાધા સૂર થઈ ચાલી
મથુરા ચાલ્યો માધવ, ગોકુળ ખાલી ખાલી રે,
મેલી ગ્યો એક મોરપીંછું ને લઈ ગ્યો વાંસળી વ્હાલી રે.
જમનાકાંઠે કદંબ ઊભો, ડાળે કોઈ ન ઝૂલે,
માખણ મટકે એમ જ પડ્યું, કોઈ ન શીંકું ખૂલે;
ગાયો સાંજે મારગ ભાળે, ઊભી આંખો ઠાલી રે…
મથુરા ચાલ્યો…
લોક કહે: ‘એ રાજા થ્યો, હવે ન આવે પાછો,’
હું કહું: ‘એ જાય ક્યાં? મારા શ્વાસે વસ્યો સાચો’;
રાજમહેલે રાણી હજારો, રાધા એક જ ઝાલી રે…
મથુરા ચાલ્યો…
પરાગ કહે: આ પ્રેમ નથી કંઈ મળવા-છૂટવાની વાત,
વિરહ તણી અગ્નિમાં રાધા શ્યામ બની ગઈ જાત;
વાંસળી ભલે લઈ ગ્યો, રાધા પોતે સૂર થઈ ચાલી રે…
મથુરા ચાલ્યો…
– પરાગ રતનપરા