રખડુનું ગીત
ચાલ મનવા, રખડી આવીએ, ઘડિયાળ ખીંટીએ ટાંગીએ,
કોઈ પૂછે ‘ક્યાં?’ તો હસીને રસ્તો આગળ માગીએ.
નદી મળે તો પગ ઝબોળીએ, ઝરણું મળે તો ગાઈએ,
વડલો મળે તો બપોર ગાળીએ, ગામ મળે તો ખાઈએ;
રાતે તારા ગણતાં ગણતાં ઘાસ ઉપર જઈ ઊંઘીએ…
ચાલ મનવા…
નકશો નહીં, ને ના કોઈ મંઝિલ, ના ટિકિટ, ના ભાડું,
પવન કહે એ દિશા આપણી, ઓઢણ આભનું જાડું;
થાક લાગે ત્યાં ઢળી પડીએ, પરોઢ પડે ત્યાં જાગીએ…
ચાલ મનવા…
પરાગ કહે: આ રખડુ જીવને જોઈ જગત તો હસતું,
પણ ફૂલ, પવન ને પંખી કેરું સરનામું ક્યાં વસતું?
ઘર તો આખી ધરતી આપણું, ભીંતો સામે શું તાકીએ?…
ચાલ મનવા…
– પરાગ રતનપરા