← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રાધા ખોવાઈ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વાંસળીના વેણમાં રાધા ખોવાઈ ગઈ, ઓ સખી,
પાણી ભરવા ગઈ'તી, ને ગાગર ભુલાઈ ગઈ, ઓ સખી.

જમનાજીને તીરે ઊભી, જોયું કદંબ ડાળે,
પીતાંબરનો છેડો ફરક્યો, ને મનડું મારું ભાળે;
માથેથી ઓઢણી સરકી, ને લાજ લજવાઈ ગઈ, ઓ સખી…
વાંસળીના વેણમાં…

સાસુ ખીજે, નણંદ ટોકે, ‘ક્યાં ગઈ’તી આમ ઘેલી?’
હું શું કહું કે સૂર બનીને શ્યામે મુજને ઝીલી?
તન તો ઘરમાં પાછું આવ્યું, સુરતા ખોવાઈ ગઈ, ઓ સખી…
વાંસળીના વેણમાં…

પરાગ કહે: આ વાંસળી તો પોલી, ખાલી, સાદી,
પણ એમાં જે શ્વાસ ભરે, એ જગ આખાની ગાદી;
રાધા શોધે શ્યામને, ને શ્યામમાં સમાઈ ગઈ, ઓ સખી…
વાંસળીના વેણમાં…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખદૂર ભાગેઆગલો લેખ →ઉઘાડા પગે