ઉઘાડા પગે
ઉઘાડા પગે રે અમે કેમ કરી ચાલીએ?
ધગધગતી રેતી ને કાંટાળી ઝાડી, વાટ કેમ કરી ઝાલીએ?
બાપુ ગયા ખેતરે, ને બા ગઈ મજૂરીએ,
નિશાળે જવું છે, પણ ચંપલ ક્યાંથી લઈએ?
પગમાં ફોલ્લા ફૂટે, તોય દફતર લઈ મહાલીએ…
ઉઘાડા પગે રે…
શહેરનાં છોકરાં પહેરે બૂટ, ને ચમકતાં મોજાં,
અમને મળે પાદર ધૂળ, ને ડામરના બોજા;
તોય ઊંચું માથું રાખી, સપનાં હૈયે પાળીએ…
ઉઘાડા પગે રે…
પરાગ કહે: આ પગ ઉઘાડા, પણ મન ના ઉઘાડું,
એક દિ’ આ જ પગલાં લખશે ગામનું નામ રૂપાળું;
કાંટા વાગ્યા તો શું થયું, ફૂલ થઈને ખીલીએ…
ઉઘાડા પગે રે…
– પરાગ રતનપરા