પુરુષ
એ રડતો નથી,
એવું સૌ માને છે.
એ તો ફક્ત
બાથરૂમનો નળ
થોડો વધારે ખુલ્લો રાખે છે.
દીકરીની વિદાય વખતે
એ જાનૈયાઓના
જમણની ગણતરીમાં વ્યસ્ત હોય છે.
બાપના અગ્નિસંસ્કારે
એ લાકડાંના ભાવ પૂછે છે.
ને રાતે
જ્યારે આખું ઘર સૂઈ જાય,
ત્યારે એ
ધાબે જઈને
ચાંદ સામે સિગારેટ સળગાવે છે —
ધુમાડો ઊંચે ચડે છે,
ને આંખો બળે છે.
સવારે કોઈ પૂછે તો કહે છે:
‘ધુમાડાને લીધે.’
– પરાગ રતનપરા