પ્રેમ એટલે
પ્રેમ
એટલે
ઉનાળાની બપોરે
ખેડૂતનું આભ સામે જોવું —
વાદળ ન હોય તોય.
પ્રેમ
એટલે
બાનું
ઠંડી રોટલી પોતાની થાળીમાં રાખવી —
કોઈ જુએ નહીં એમ.
પ્રેમ
એટલે
મીરાંનું ઝેર પીવું,
ને પછી
ઝેરને જ મીઠું લાગવું.
ને પ્રેમ
એટલે
આ બધું જાણ્યા પછી પણ
કશું જ ન જાણવું.
– પરાગ રતનપરા