પાર કર
બારણું ખોલી જરા, આ ઉંબરો તું પાર કર,
પાંખ છે તારી, ગગન છે, પીંજરો તું પાર કર.
શ્વાસ ફૂલે, પગ દુખે, ને દૂર લાગે છે શિખર,
એક ડગલું, એક ડગલું, ડુંગરો તું પાર કર.
રાહમાં કાંટા મળે, ને પગ મહીં ખૂંચે ભલે,
ઠેસ ખાતો, હાંફતો, આ ઝાંખરો તું પાર કર.
બાપના વડલા તળે તો છાંય છે મીઠી ઘણી,
તોય થોડો તાપ લેવા આશરો તું પાર કર.
આ પરાગે ફૂલ છોડ્યું, ને હવા બોલી મને:
‘મ્હેકવું હો તો પ્રથમ આ મોગરો તું પાર કર.’
– પરાગ રતનપરા
#ગઝલ #હિંમત #પ્રેરણા #સંઘર્ષ #આત્મવિશ્વાસ #પરાગરતનપરા
#GujaratiGhazal #Courage #Motivation #BreakingBarriers #Growth #ParagRatanpara