← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પ્રેમ એટલે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પ્રેમ એટલે
ચાંદ-તારા તોડી લાવવાની વાત નહીં.

પ્રેમ એટલે
એના કપમાં
ખાંડ અડધી ચમચી ઓછી નાખવી —
એને ડાયાબિટીસ છે.

પ્રેમ એટલે
રાતે એ ઊંઘી જાય પછી
ધીમેથી
લાઇટ બંધ કરવી,
ને પંખો
એક આંકો ધીમો.

પ્રેમ એટલે
ત્રીસ વરસ પછી પણ
બજારમાં
એને ભાવતાં બોર જોઈ
પગ આપોઆપ થંભી જવા.

ને પ્રેમ એટલે
એક દિવસ
એ ન હોય,
તોય
બે કપ ચા મુકાઈ જવી —
ને પછી
એક કપ
આખો દિવસ
ઠંડો થતો રહે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખતરસઆગલો લેખ →ગુરુ કુંભાર