પ્રીતના બે રંગ
પ્રીત તો બે રંગે ખીલે રે, સૈયર, પ્રીત તો બે રંગે ખીલે,
સામે હોય તો સૂરજ ઊગે, દૂર હોય તો દીવો ઝીલે.
સામે હોય ત્યાં બોલ ખૂટે ને પાંપણ ઢળી જાય,
હાથ અડે ત્યાં અંગ અંગમાં ફાગણ ફરી જાય;
વસંત જેવો રંગ પહેલો, હૈયું ગુલાલ ઝીલે…
પ્રીત તો બે રંગે…
દૂર હોય ત્યાં ઓશીકે એની વાતો પડખાં ફેરવે,
ચાંદો આવી બારીએ એનો કાગળ રોજ વંચાવે;
શ્રાવણ જેવો રંગ બીજો, આંખ્યું ઝરમર ઝીલે…
પ્રીત તો બે રંગે…
પરાગ કહે: મિલનમાં પ્રીત ઉજાસ થઈ ઝળકાય,
વિરહમાં એ જ પ્રીત ઊંડી ધૂપ થઈ મ્હેકાય;
બેઉ રંગ જે ઓઢી જાણે, એનાં જીવતર ખીલે…
પ્રીત તો બે રંગે…
– પરાગ રતનપરા