પ્રતિમા
ચાર રસ્તે
ગાંધીજીની પ્રતિમા છે.
બે ઑક્ટોબરે
નેતાજી આવે,
ખાદીનો નવો ઝભ્ભો,
ફૂલનો હાર,
બે મિનિટ મૌન,
ત્રણ મિનિટ ફોટા,
દસ મિનિટ ભાષણ —
સત્ય, અહિંસા, સાદગી.
પછી
ગાડીઓનો કાફલો
ધૂળ ઉડાડતો ચાલ્યો જાય.
બાકીના
ત્રણસો ચોસઠ દિવસ
ગાંધીજીના ખભે,
ચશ્માં પર,
લાકડી પર
કબૂતરો બેસે છે.
આ દેશમાં
ગાંધીજીને
રોજ
કોઈ યાદ કરે છે,
તો એ
કબૂતરો.
– પરાગ રતનપરા