પ્રતીક્ષાની સાડી
વૃદ્ધાશ્રમના ઓટલે
એક બા
દર રવિવારે
સવારે નવ વાગ્યે
સાડી બદલીને બેસે છે.
ગેટ ખૂલે
ને એ ગરદન ઊંચી કરે,
કોઈ બીજાનો દીકરો
કોઈ બીજાની મા માટે
ફળની થેલી લઈને આવે,
ને એ ગરદન
પાછી નીચી કરે.
બપોરે
સેવિકા પૂછે છે,
“બા, જમવું નથી?”
“હમણાં… હમણાં આવશે,
ટ્રાફિક હશે.”
ત્રણ વરસથી
શહેરમાં
ટ્રાફિક છે.
સાંજે
એ સાડીની ગડી વાળીને
પેટીમાં મૂકે છે,
આવતા રવિવાર માટે.
એ સાડીમાં
હવે
કરચલીઓ કરતાં
રાહ વધારે પડી છે.
– પરાગ રતનપરા