પ્રતીક્ષાખંડ
હૉસ્પિટલના
પ્રતીક્ષાખંડમાં
ઘડિયાળ
સૌથી ધીમી ચાલે છે.
અહીં
દરેક ક્ષણ
ચશ્માં ઉતારીને
આપણી સામે બેસી જાય છે,
ને પૂછે છે —
‘ઓળખી મને?’
પેલી ક્ષણ
જ્યારે તેં
બાપુનો ફોન કાપી નાખ્યો હતો,
‘પછી વાત કરું’ કહીને.
પેલી ક્ષણ
જ્યારે મા
ઊંઘમાં બબડતી હતી
ને તેં ટીવીનો અવાજ
વધારી દીધો હતો.
બારણું ખૂલે છે.
ડૉક્ટર કશું બોલે
એ પહેલાં
બધી ક્ષણો
ઊભી થઈ જાય છે,
જાણે કોઈ
હાજરી પૂરવાનું હોય.
ને મારી પાંપણ
પહેલી વાર
મટકું મારવાનું
ભૂલી જાય છે.
– પરાગ રતનપરા